Loading...

Loading...

sample
SupportContact Us



Shikharji Nivedan - 2 Feb, 2025

01 February 2025

Ref : 202502G – 01
વિ. સં. ૨૦૮૧ મહા સુદ ૩ શનિવાર
૧/૨/૨૦૨૫, ઘાટકોપર, મુંબઈ

સમસ્ત જૈનોને નિવેદન

આ વિશ્વની સર્વોત્કૃષ્ટ કલ્યાણકભૂમિ શ્રી સમેતશિખરજી મહાતીર્થ જૈન ધર્મનો અમૂલ્ય વારસો છે. આ ગિરિરાજ ઉપર અદ્વિતીય પવિત્રતાનાં ધારક ૨૦ – ૨૦ તીર્થંકર ભગવંતોનાં નિર્વાણ કલ્યાણક અને અંતિમ સંસ્કાર થયાં છે. તેથી તેમનાં દેહનાં પવિત્રતમ પરમાણુઓથી આ ગિરિરાજ અતિશય વાસિત છે.

તે ઉપરાંત કરોડો મુનિરાજોએ પોતાની અંતિમ નિર્વાણ સાધના દ્વારા સમગ્ર પર્વતને અતિપવિત્ર ઉર્જાથી તરબતર બનાવ્યો છે.

જૈન શાસ્ત્રોમાં અનેક સ્થાને આ પર્વતને મહાતીર્થનો મહાન દરજ્જો આપીને તેની પવિત્રતાનાં બે મોઢે વખાણ કર્યા છે. જૈનધર્મનાં પાંચ મુખ્ય મહાતીર્થોમાં સ્થાન આપીને આ ગિરિરાજને ભવસાગર પાર ઉતારનાર જંગી જહાજ ગણાવવામાં આવેલ છે. જૈનશાસ્ત્રોએ તો આ તીર્થની યાત્રાને જૈનત્વ સાથે એટલી ગાઢપણે સાંકળી છે કે, શિખરજીની યાત્રા નહીં કરનાર જૈનને, જૈન તરીકે જન્મેલો પણ ગણવાં તૈયાર નથી.

મહાતીર્થોનાં મહિમાનો પાયો પવિત્રતા છે, તેથી જૈનશાસ્ત્રોએ તીર્થની પવિત્રતાનું સંરક્ષણ કરવાની ભારપૂર્વક આજ્ઞા આપી છે, સાથે તેનાં માટે લેવાની નાનામાં નાની કાળજીઓનું પણ વર્ણન કરેલ છે.

તેમાં મુખ્ય નિયમરૂપે કોઈપણ પ્રકારની સાંસારિક પ્રવૃત્તિઓનો સદંતર નિષેધ ફરમાવ્યો છે. તદનુસાર, ખાવું – પીવું, હરવું – ફરવું, વ્યાપારી પ્રવૃત્તિઓ કરવી વગેરે પણ તીર્થની પવિત્રતાને ધક્કો પહોંચાડે છે. ત્યાં વ્યસન સેવન – અસભ્ય વર્તન જેવી નિંદનીય પ્રવૃત્તિઓની તો શું વાત કરવી?

છતાં ભારે ખેદની વાત છે કે, છેલ્લાં અમુક દાયકાઓમાં તીર્થની પવિત્રતાને જબરદસ્ત નુકસાન પહોંચે તેવી પ્રવૃત્તિઓ સરકાર પણ વારંવાર કરી રહી છે અથવા તો તેને સારું એવું પ્રોત્સાહન આપી રહી છે. આ નુકસાનને અટકાવવા માટે જૈનોએ અનેક વખત ઘણાં પ્રયત્નો કર્યા છે. પરંતુ સરકાર દ્વારા ખોખલાં આશ્વાસનો સિવાય વિશેષ કોઈ પગલાં લેવાયાં હોય તેવું થયું નથી.

તાજેતરમાં પણ શિખરજી ગિરિરાજ ઉપર માંસાહારનું સેવન, ટુરિસ્ટો દ્વારા વલ્ગર પ્રવૃત્તિઓ, પિકનિકો, નશીલા પદાર્થોનું સેવન, અભક્ષ્યનું સેવન, અતિશય ગંદકી આદિ થઇ રહ્યા છે તથા મતદાન મથકો, આખાંને આખા ગામો વસાવવા વગેરે નિમ્ન કક્ષાની પ્રવૃત્તિઓ ચાલુ જ છે. તેમાં ટુરિઝમ આદિને પ્રોત્સાહન આપવા દ્વારા સરકાર પ્રત્યક્ષ રૂપે પીઠબળ પૂરું પાડે છે તથા ટુરિસ્ટોની અનુચિત પ્રવૃત્તિઓને અટકાવવાની સત્તા હોવા છતાં સરકાર રોકતી નથી, તેથી પરોક્ષ રીતે પણ સરકારી પીઠબળ હોવાના પુરાવાઓ ઉપલબ્ધ છે.

જૈનશાસ્ત્રો ફરમાવે છે કે, તીર્થરક્ષા માટે પોતાની સર્વ શક્તિઓ કામે લગાડીને જે કરવું પડે તે બધું જ કરી છૂટવું તે પ્રત્યેક જૈનનું અનિવાર્ય કર્તવ્ય છે.

તેથી, સેવ શિખરજી ઝુંબેશનાં અનુસંધાને લોકવ્યાપી આંદોલન ઉભું કરી ઝારખંડ સરકાર સુધી મજબૂત અસર પહોંચાડનાર જ્યોત સંસ્થાએ, શિખરજી તીર્થરક્ષા માટે મળેલ સાત લાખથી વધુ હસ્તાક્ષરોનાં ભારી પીઠબળનાં આધારે ૬ જાન્યુઆરી ૨૦૨૫ નાં રોજ ઝારખંડ હાઇકોર્ટમાં જનહિત યાચિકા દાખલ કરી હતી. જેમાં સરકાર દ્વારા તીર્થની પવિત્રતાને ધક્કો પહોંચાડતી તમામ પ્રવૃત્તિઓને રોકવાનો આદેશ કરવાની માંગણી કરવામાં આવી છે.

જૈન તીર્થસ્થાનોમાં, આગમો અને ધર્મશાસ્ત્રોએ દર્શાવેલાં પવિત્રતાનાં નીતિ-નિયમો જ નિયામક હોય છે. આ ધાર્મિક માન્યતાઓને કોર્ટો પણ નકારી શકતી નથી. તેથી શાસ્ત્રીય વ્યવસ્થાઓને કેન્દ્રમાં રાખીને, શાસ્ત્રીય સંદર્ભો ટાંકવાપૂર્વક તીર્થસ્થાનોમાં જાળવવા માટેની આવશ્યક નિયમાવલિ આ યાચિકામાં રજૂ કરાઇ છે. જે આ યાચિકાની નેત્રદીપક વિશેષતા છે.

કાયદાકીય, ઐતિહાસિક અને પ્રત્યક્ષ પ્રમાણોથી પણ સમૃદ્ધ આ યાચિકા દ્વારા શિખરજી તીર્થમાં જૈન શાસ્ત્રાનુસાર પવિત્રતાનાં નિયમો પળાય, તે મુદ્દા ઉપર મુખ્ય ભાર મૂકાયો છે.

સમસ્ત જૈનોનાં પુણ્યોદયે, તીર્થરક્ષાનાં ઉદ્દેશ્યથી જૈનો દ્વારા કરાતાં તપ – જપ આદિ આરાધનાઓનાં પ્રભાવે ૨૪ જાન્યુઆરી ૨૦૨૫ નાં રોજ ઝારખંડ હાઇકોર્ટે આ જનહિત યાચિકા સ્વીકૃત કરી છે, તથા આગળની કાર્યવાહી માટે નોટિસ પણ જારી કરેલ છે.

ખાસ આનંદદાયક બાબત એ હતી કે, સરકારે ધર્મશાસ્ત્રો મુજબ તીર્થસ્થાનોની પવિત્રતા જાળવવી જ જોઈએ, એવી ઝારખંડ હાઇકોર્ટનાં ચીફ જસ્ટિસે ભારપૂર્વક ટિપ્પણ કરી હતી. સાથે ઉમેર્યું હતું કે, જો સરકાર દ્વારા જ પવિત્રતાનું ખંડન થતું હોય તો તે ચલાવી શકાય તેમ નથી. સરકાર આ ગંભીર આક્ષેપોનાં જવાબ આપે.

તીર્થરક્ષાની દિશામાં મજબૂત કાર્ય થાય, તેવી આશા બંધાવનારા નિર્દેશો હાઇકોર્ટ દ્વારા અપાયા છે તથા ૧૯ ફેબ્રુઆરીનાં રોજ આગામી સુનાવણી માટેનો આદેશ હાઇકોર્ટે આપ્યો છે.

સર્વે જૈનો, તીર્થરક્ષાનું આ ઉત્તમ કાર્ય નિર્વિઘ્ને સંપન્ન થાય તે માટે વિશેષ તપ – જપ આદિમાં ઉદ્યત થાય તેવી ખાસ ભલામણ.

(ગ. આ. વિજયયુગભૂષણસૂરિ)

Download Declaration

Declare Shikharji as #PlaceOfWorship of Jains

Latest News

Shikharji High Court Order.

Gallery

Contact Us

saveshikharji@gmail.com

Follow Us


All Copyrights Reserved 2024